Monday, September 5, 2022

ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્વે વાયદાઓનો વેપાર શરૂ, રાજકીય પક્ષો માટે ઉમેદવાર પસંદગી મુશ્કેલ બનશે


ગુજરાતમાં વિધાનસભા  ચુંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા વાયદાઓનું બજાર ખોલી દેવામાં આવ્યું  છે. જેમાં સત્તાધારી પક્ષ હાલમાં નવી નવી યોજનાઓને વિકાસ કામોને આગળ ધપાવીને લોકોને આકર્ષવા અથવા તો  પોતાના મતદારોને ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ વર્ષ 1985 થી રાજ્યના સત્તાથી વિમુખ એવી કોંગ્રેસ પાર્ટી હાલ વર્ષ 1985 પહેલાના કોંગ્રેસ સરકારના કામોના સહારે લોકોને આગળ ધપાવવા તરફઆગળ  વધી રહી છે. જ્યારે આ વખતે રાજ્યના રાજકારણમાં સ્થાનિક કક્ષાએ ઝંપલાવી ચૂકેલી અને સફળતા મેળવવારી આમ આદમી પાર્ટી  પણ લોકોને દિલ્હી મોડેલની જેમ અનેક ફાયદો આપવાના વાયદાઓ સાથે આગળ વધી રહી છે, જેમાં પોલીસ ગ્રેડ- પે, યુવાનોને રોજગારી અને મહિલાઓને આર્થિક સહાય અને મફત વીજળી સહિતના અનેક વાયદાઓની હાલ તો બોલબાલા છે, જેને હાલ તો ભાજપ રેવડી કલ્ચરના નામે પ્રસિદ્ધ કરી રહ્યું  છે.

આ વખતની ચુંટણી માટે રાજકીય પક્ષો માટે ઉમેદવારોની પસંદગી મોટો પ્રશ્ન

જો કે આ બધા વચ્ચે રાજ્યમાં અનેક સમાજના આગેવાનો હવે રાજકીય પક્ષોની ટિકિટ વહેંચણીમાં સમાજના ઉમેદવારોના પ્રભુત્વને આપવાની માંગ કરી રહ્યા છે, તેમજ રાજ્ય સરકારના અનેક વિભાગના કર્મચારીઓ પણ હાલ સરકારનું નાક દબાવીને મોં ખોલવા માટે આંદોલનના માર્ગે  છે. તેવા સમયે આ વખતની ચુંટણી માટે રાજકીય પક્ષો માટે ઉમેદવારોની પસંદગી મોટો પ્રશ્ન બનવાનો છે, જેનો અણસાર હાલથી રાજકીય પક્ષોને આવી ગયો છે, જેમાં આમ આદમી પાર્ટી માટે હાલ તો જેટલો વકરો એટલો નફો છે જેના પગલે આમ આદમી પાર્ટીએ તો હાલ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી  દીધી છે. જ્યારે આજે  પેટર્ન પર કોંગ્રેસ પણ આગળ વધી રહી છે, જેમાં જે બેઠકો પર કોંગ્રેસ ગત ઇલેક્શન જીતી નથી શકી અથવા તો ઓછા માર્જિનથી હારી છે તે બેઠકો પર ઉમેદવારોના નામની પસંદગી કરીને ટૂંક જ સમયમાં  ઉમેદવારોની યાદી બહાર પાડશે. જો કે આ બધા પાછળ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ  જગદીશ ઠાકોરનો તર્ક અને રણનીતિ એ છે કે  જે  વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ઓછા માર્જિનથી ઇલેક્શન હાર્યું છે  તે બેઠક પર છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરવાના બદલે  ઉમેદવારનું નામ વહેલું જાહેર કરવા આવે . જેના પગલે ઉમેદવાર જરૂરી મત મેળવી શકે અને બેઠક પર જીત મેળવી શકાય.

ભાજપ માટે હાલ નો-રિપીટ થિયરીનો વિચાર પણ મુશ્કેલ લાગી રહ્યો છે.

આ બધા વચ્ચે ગુજરાતમાં એક ઝાટકે સમગ્ર મંત્રીમંડળ બદલીને નવા રાજકીય પ્રયોગ કરવાનો શ્રેય લેનાર  સત્તાધારી પક્ષ ભાજપ માટે વિધાનસભામાં ઉમેદવારોને બદલવાની છેલ્લા લાંબા સમયથી ચાલતી ચર્ચાઓ પર પણ બ્રેક વાગી છે.જેમાં ભાજપે પણ આ વખતે ગત વિધાનસભા ચુંટણીમાં 151 જીતવાના મેજિક આંકડાને પાર કરવાનો મોટો  પડકાર છે. તેમજ ભાજપે ગત વિધાનસભા ચુંટણીમાં જીતેલી 99 બેઠકો કરતાં ભાજપે આ વર્ષે 51 બેઠક વધારે મેળવવાની છે. જો કે તેની માટે ભાજપે હાલ તો આયાતી ઉમેદવારો અને કાર્યકરો માટે ભરતી મેળો શરૂ કર્યો છે. જેના આધારે બેઠકો જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ભાજપ માટે જે બેઠક પર ઉમેદવાર બદલવાની જરૂર છે  ત્યાં પણ ચાલુ ધારાસભ્યને વિશ્વાસમાં અથવા સહમતી લેવી જરૂરી બનશે તેમજ ભાજપ માટે હાલ નો-રિપીટ થિયરીનો વિચાર પણ મુશ્કેલ લાગી રહ્યો છે.

આમ, ગુજરાતમાં હાલતો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચુંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે અલગ અલગ રીતે મતદારોને રીઝવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. જો કે હાલ ગુજરાતમાં  અસરુદીન ઔવેસીની પાર્ટી  એક્ટિવ દેખાતી નથી. જો કે તે છેલ્લા સમયે અમુક બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે તો તેનું નુકશાન કોંગ્રેસને થવાનું તે પણ ચોક્કસ છે.